તંત્રી સ્થાનેથી

નારી વિશેષાંકના આ અંકમાં સમાજની માતૃશકિતને વંદન. અભિનંદન..

નારી સમાજમાં આજ અને કાલ નારીનું સમાજ ઉન્નતિમાં પ્રારંભથી જ આદરપૂર્વકનું સ્થાન રહ્યું છે. વર્ષો પહેલાં સ્ત્રીના નાની ઉંમરે લગ્ન થતાં હતાં. તે સાથે જ ઘર, ઘરકામ, ઘણાંબધા સંતાનોની સંભાળ, ટૂંકા સંસાધન વચ્ચે સંયુકત પરિવારમાં પોતાને ભાગે આવતાં કામકાજ કરવામાં વહેલી પરોઢેથી લઈને રાત્રિ સુધીનો સમય સખત મહેનતપૂર્વક પસાર થતો હતો.

પુરુષ પ્રધાન સમાજમાં પુરુષોને પણ અર્થોપાર્જનમાં તનતોડ મહેનત કરે ત્યારે માંડ બે છેડા ભેગા થતા. સમાજમાં ત્યારે બહુ ઓછા લોકો ધનાઢ્ય હતા.

સમય સાથે સ્થિતિ, પરિસ્થિતિઓ બદલાઈ આજે સમાજમાં આર્થિક અને ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થયો, સ્ત્રીઓમાં શિક્ષણનો વ્યાપ સતત વધતો રહ્યો છે. લગ્ન પણ પહેલાંથી સહેજ મોડાં થવાં સંયુક્ત કુટુંબમાંથી નાના પરિવારો થવા, માત્ર એક-બે સંતાનોની જવાબદારી, આર્થિક સમૃદ્ધિના કારણે મહેનતના કામોમાંથી નિવૃત્તિ, થોડા પ્રમાણમાં પણ અર્થોપાર્જનમાં પણ સ્ત્રીઓની સહભાગીદારી ના કારણે છેલ્લા બે- ત્રણ દાયકામાં સ્ત્રીઓની ભૌતિક સ્થિતિમાં આમૂલ પરિવર્તન નજરે જોઈ શકાય એમ છે.સ્ત્રીઓની બહુમુખી પ્રતિભા જેવી કે ઉચ્ચ શિક્ષણમાં અવલ્લ, કલા, ખેલ, સામાજિક ક્ષેત્રમાં આગેકૂચના કારણે તેમની સમક્ષ નવા પડકારો પણ આવે પરંતુ તેને પહોંચી વળવા સક્ષમ થઈ ગઈ છે. આમ કાળક્રમે આપણા સમાજની નારીશકિત અનેક ક્ષેત્રે અપ્રતિમ સફળતા સાથે આગળ છે.

આ નારી વિશેષાંકનો ઉદ્દેશ નારીઓની આવી ગૌરવપૂર્ણ ઘટનાઓ તથા તેમની લાગણીઓને અભિવ્યકત કરવા સમાજનું પ્લેટફોર્મ મળી શકે તે છે. વળી આ અંકમાં ફકત નારીઓના લેખ લેવામાં આવ્યા છે. જે તેમના દ્વારા સારા લેખોની સામગ્રી પ્રાપ્ત થઈ છે .

જેનો નિર્ણય વાચકો જ વાંચીને જ નક્કી કરશે ?

અમદાવાદ ગર્લ્સ હોસ્ટેલ મુલાકાત

હમણા અમદાવાદ ગર્લ્સ હોસ્ટેલમાં સાથી હસમુખભાઈ સાથે મુલાકાતે જવાનું થયું દીકરીઓ સાથે સંવાદ તથા પરિચય કરવાનો અવસર મળ્યો. સૌની સંતુષ્ટિ સ્પષ્ટ જણાઈ આવતી હતી. નવી હોસ્ટેલની વાત કરતાં આંખોમાં અલગ જ ચમક તરી આવતી હતી. એ ક્ષણની સૌ કાગડોળે રાહ જોઈ રહી હોય એમ જણાઈ આવતું હતું.

નવા અતિથી ભવન તથા હોસ્ટેલમાં ના બાંધકામની સાઇડ પર મુલાકાત : નવી હોસ્ટેલની મુલાકાતે પણ જવાનું થતાં બાંધકામ નું કાર્ય લગભગ પૂર્ણતા તરફ છે. કાર્યની પ્રગતિ જોઈ ત્યાં ઓફીસ કર્મચારીને મળતાં તેઓએ વિશ્વાસ સાથે જણાવેલ કે માર્ચ આસપાસ કાર્ય સંપન્ન થઈ જશે. એ ગૌરવપૂર્ણ પળના સાક્ષી બનવા આપણો પુરો VBC સમાજ થનગની રહ્યો છે.

મહાવીર જૈન બોર્ડિંગ ભુજનું મકાન નવી સુવિધાઓથી સજ્જ V (વાગડ)કલબ નવા રંગરૂપ સાથે 21 જાન્યુઆરીએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મિલન સમારોહ સાથે સમાજ સમક્ષ ખુલ્લું મુકાય તેવું આયોજન ઘડાઈ રહ્યું છે. વિશેષાંકના આ પ્રયોગમાં આગામી અંક આરોગ્ય માટેનો ‘સ્વાસ્થ્યમ્’ વિશેષાંક રહેશે. અમારી ટીમને વાગડ સંસ્કારની જવાબદારી સોંપાયાના એક વર્ષના સમયગાળામાં આ ચોથો અંક સમયસર પ્રકાશિત થઈ રહ્યો છે તેનો આનંદ છે.

પ્રકાશ અનોપચંદ મહેતા
તંત્રીશ્રી