
આત્મીય સ્નેહીજનો..
જય જીનેન્દ્ર
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી એક એવી ચીજ છે જેને માટે તમારે શ્રમ, સમય અને સંપત્તિ જ નહી ક્યારેક જીવનનો પણ ભોગ આપવો પડે. રોગ થાય અને ઉપચાર કરીએ એ આજકાલની સ્વાભાવિક બાબત છે. હ્રદયરોગનો એકાદ ઝટકો આવે ત્યારે જ હૃદય સામે જોવાનું બાકી ત્યા સુધી એ તેની રીતે ધબકયા કરે. દાંત દુખે ત્યારે જ ડેન્ટિસ્ટની મુલાકાત લેવાની અને નંબર આવી જાય ત્યારે જ આંખની હોસ્પિટલના પગથિયા ચડવાના. આજનો માણસ બે લાખ રૂપિયાનો ખર્ચ કરી વર્ષમાં ચાર વાર ગાડીની સર્વિસ કરાવશે પણ અમૂલ્ય શરીરની એકવાર પણ તપાસ નહી કરાવે.
એટલે જ, સ્વસ્થ રહેવાના ઉપાય પ્રત્યેની સમજણ કેળવાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી માટે ઉપયોગી સુચનો સમાજના પ્રતિષ્ઠત ડોકટરો પાસેથી પ્રાપ્ત થાય એવા સુંદર ઉદેશ સાથે પ્રગટ થઈ રહેલ વાગક સંસ્કારના આરોગ્ય વિશેષાંક’ નું હું આદર અને ઉમળકા સાથે સ્વાગત કરું છું. સમાજની સુખાકારી માટે તંત્રીશ્રી પ્રકાશભાઈ અને તેમની ટીમના આ સુંદર પ્રયાસની સરાહના સાથે સાર્યકતા મળશે એવી શુભેચ્છા પાઠવું છું.
સમાજના ડોક્ટરોનું ખૂબ જ મહત્વનું સ્થાન હોય છે. ડોકટર એટલે જ લોકોના સ્વાસ્થ્યની સંભાળ રાખે તેમજ તેમને રોગોથી મુક્ત કરે. વીબીસી સમાજના ડોકટરો ની બાબતમાં નસીબદાર છે. સમાજના ડોકટર નિષ્ઠા અને સેવાભાવ સાથે સમાજ પ્રતિ સમર્પિત છે. તંદુરસ્ત વી.બી.સી. સમાજ તેમની જવાબદારી નહી લક્ષ્ય હોવું જોઈએ અને તેમાં આપણી સ્વીકારીતા ખૂબ જ જરૂરી બને છે કેમ કે જે દર્દી ડોકટરની સૂચનાનું પાલન નથી કરતો એનો રોગ દુનિયાનો કોઇ ડોકટર મટાડી નથી શકતો.
આરોગ્ય કેવળ શરીરનું ભૂષણ નથી, પણ આત્માનું આભૂષણ પણ છે. આરોગ્ય સારુ એનું બધું સારું માટે જેટલી અન્ય વસ્તુઓની સંભાળ લ્યો છો એટલી જાતની પણ લ્યો અને આ સુંદર મનુષ્ય જીવનને નિરોગી રાખો અને સદા પ્રસન્ન રહો.
સૌની કુશળતાની કામના સાથે..
કિર્તીભાઈ કેશવલાલ સંઘવી
પ્રમુખશ્રી