વહાલા સમાજને પ્રણામ વાગડ સંસ્કારના ગત “વડીલ વિશેષાંક” બાદ અમે “યુવા વિશેષાંક”ના રૂપમાં વડીલો તથા યુવક-યુવતીના મનોવલણ-સંવેદનાને સમાજ સાથે લેખન દ્વારા શેર કરવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે જે વાચકોને પસંદ પડશે એવો અમને વિશ્વાસ છે. આપના પ્રતિભાવ આવકાર્ય છે.
આ યુવા અંકમાં નીવડેલા વિદ્વાન અનુભવી તેમજ પ્રતિભાશાળી, લેખકો પાસે લેખો મેળવવા આમંત્રણ આપ્યું હતું. જેમાંથી ઘણા સારા કવોલિટી લેખો મળ્યા છે. વાંચકોને મોકળાશથી વાંચી લાભ ઉઠાવવા અનુરોધ છે.
યૌવન એ જીવનનું સૌરભ છે. સૌંદર્ય, ઉત્સાહ અને આકર્ષણ એ યુવા શકિતનું પ્રતીક છે. જીવન સંસ્કારોને ઘડે છે અને સંસ્કારો જીવનને ઘડે છે.
નૈસર્ગિક અને સહજ જીવન સાથે નવીન વિચારો જીવનમાં અપનાવે તે યુવા. સમાજમાં યુવા પેઢી ટેલેન્ટેડ છે. ભૌતિક સુખ સુવિદ્યા સહજ સુલભ છે. યોગ્ય દિશા, માર્ગદર્શન તેમજ મજબૂત ગળથૂથીના પાયામાં સંસ્કાર છે. જેથી આપણું યુવા ધન ઊંચી ઉડાને વિશ્વાસ સાથે આગળ નીકળી રહ્યું છે. જેનો આનંદ છે.
યુવાઓ… જીવનમાં માત્ર એક જ વિષયમાં રુચિ ન રાખતા દરેક વસ્તુ વિશે રસિકતા કેળવવી જોઇએ. માત્ર અભ્યાસ જ નહીં. માત્ર ધંધો બિઝનેસ કે જોબ નહીં, પરંતુ પરિવાર, મિત્રો, ખેલ, સાહિત્ય, રાજકારણ, સમાજ, મનોરંજન, સાહિત્ય, ધર્મ જેવા વૈવિધ્યસભર શોખોને જીવનમાં કેળવવા જોઇએ તો જીવનમાં દરેક તબકકાને આનંદમય બનાવી શકાય.
હમણા સમાજની દરેક સંસ્થાઓમાં યુવક-યુવતીઓ વ્યાપકપણે જોડાયેલા છે જે સમાજના ઉજજવળ ભવિષ્યની નિશાની છે.
સાથે સાથે હમણા સમાજની જનરલ મિટિંગ પણ છે, તેમાં યુવા માત્ર મૂક પ્રેક્ષક ન બનતાં જે તે સામાજિક વિષયમાં સમજપૂર્વક ચર્ચામાં આત્મવિશ્વાસ અને હકારાત્મકતા સાથે ભાગ લે તો જ મળેલી તકનો સાચો અર્થ સરે. તો જ સમાજને ભવિષ્યમાં નવીન દૃષ્ટિ સાથે નેતૃત્વના નૂતન ફાલરૂપે અમૂલ્ય ભેટ મળી શકે.
કોઇપણ સમાજ કે રાષ્ટ્ર તેના સંવિધાનના અને નિયમો પ્રત્યે આદર ધરાવે ત્યારે તે લાંબા સમય સુધી મજબૂત રહી શકે છે. એ શરતે સમય સમય પર લોક અપેક્ષા અનુરૂપ તેમાં સંશોધન અપેક્ષિત હોય છે.
આપણો સમાજ આ બાબતમાં ઉદાર દૃષ્ટિકોણ અને સમયાનુકૂળ સુધારાઓ લાવે છે. અપેક્ષા છે કે નવનિયુકત બંધારણ સમિતિ સમયની માંગ પ્રમાણે સંશોધન તથા નિયમોમાં લોક અપેક્ષા પ્રમાણે ફેરફાર કરશે.
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ બહાદુરી શૌર્ય, પરાક્રમપૂર્વક કરેલ ‘ઓપરેશન સિંદૂર’ તેના સ્ટીક લક્ષ્યાંક પ્રાપ્ત કરીને અભિનંદનીય કાર્ય કર્યું છે.
કચ્છમાં ચાર દિવસ યુદ્ધ માહોલ વારે ઘડીએ સાયરન વાગવાં, રાત્રે લાઇટો બંધ, ૧૯૭૧ વખતની યાદો તાજી થઇ હતી. અચાનક યુદ્ધ વિરામ દ્વારા સરકારે કુનેહ વાપરીને મોટા યુદ્ધના ઉન્માદમાંથી આપણને બચાવ્યા છે. યુદ્ધના ભયાવહ પરિણામોથી આપણે સૌ વાકેફ છીએ.
‘વાગડ સંસ્કાર’ નિયમિત પ્રકાશિત થાય એવા અમારા પ્રયાસ છતાં જાહેરાતના અભાવે રાહ જોવી પડે છે. જેના કારણે થોડું લેટ થાય છે. સમાજ તરફથી આ બાબતે સહકારની અપેક્ષા સહ..
પ્રકાશ અનોપચંદ મહેતા
તંત્રીશ્રી