આપણા વડીલોએ દરેક પત્રની શરૂઆત સામે પક્ષે ખૂબ જ સારી ઉપમા સાથે-સન્માનીય શબ્દ પ્રયોગ કરી કાગળની શરૂઆત કરતા, જેમ કે પૂજય રાધે તમામત, અરચણની આણ, સકલ ગુણ જાણ, સર્વે શુભ ઉપમા લાયક પૂજયશ્રી પાંચ લખતા, એટલે કે તમો ઉત્તમ છો. તમારામાં બધા જ શુભ ગુણો છે જે અમને જાણ છે. બધી જ શુભ ઉપમાને આપ લાયક છો, આવા સન્માનીય શબ્દોની શરૂઆત કરી પત્રની શરૂઆત થતી.
પરિવારમાં પ્રથમ પ્રસંગ માં વિશેષ સન્માન સાથે જમાઈને તેડાવવા માટે દશાઈયું નોતરતા, જેમાં જમાઇ સાથે તેમના પરિવારના એકી સંખ્યા સાથે વધારેમાં વધારે લગ્નના ૪ દિવસ અગાઉ આવતા.
આ કાગળ સમાજના શેઠિયાઓને ઘરે બોલાવી તેમના હસ્તે કંકુ-ચોખા છોટણાં કરીને લખાતો ત્યારે બે-બે સાતા એટલે કે ૧૪ નંગ ખારેક આપતા, એ જ રીતે મોસાળાનો પણ કાગળ લખાતો.