
શ્રી વી.બી.સી. સમાજ તેમજ સંસારની સમસ્ત નારીશકિતને મારા પ્રણામ
માનવસમાજનું કોઈ ચાલકબળ, આધારશિલા અને પાયાના પથ્થરમાં જો કોઈ હોય તો તે છે નારી. દરેક નારીનું વ્યકિતત્વ ધરતીને મળતું આવે છે. વિશાળતા, ઉડાણ અને સ્થાયીપણું એના લક્ષણ છે. નારીનો જન્મ શાંતિ, ધીરજ અને ક્ષમાના સંદેશરૂપ છે.
આદર્શ નારીમાં કુદરતી રીતે જ સમજશકિત, સહજ સૂઝ અને અસીમ સહનશકિત હોય છે. આદર્શ નારીને પુરુષ સમોવડી બનવાની જરૂર જ નથી, કેમ કે તે સ્વયં તેજસ્વિની છે અને આ વાત વી.બી.સી. સમાજની અનેક મેઘાવી નારી કે દીકરીઓએ અનેક ક્ષેત્રોમાં યશસ્વી બની પૂરવાર કરી બતાવ્યું છે.
આપણો વી.બી.સી. સમાજ સ્ત્રી સન્માનને પ્રાથમિકતા આપનાર સમાજ છે. કન્યા કેળવણીનું મહત્ત્વ સમજતા આ સમાજની દીકરી વહાલનો દરિયો અને પુત્રવધૂ ખરા અર્થમાં પુત્રથી વિશેષ ગણાય છે. પુત્ર-પુત્રીના જન્મની ખુશી સમાન રીતે મનાવનાર વી.બી.સી. સમાજમાં લગભગ દરેક ગામ કે નગરમાં મહિલા મંડળ છે. સમયની સાથે ચાલતા આ સમાજમાં યુવતી મંડળની રચના પણ થવા લાગી છે.
નારી સ્વતંત્રતા આવકાર્ય છે અને તે આત્મનિર્ભર બને તેનું પણ સ્વાગત છે તેમ છતા નારીનું સાચું સૌદર્ય તેના કપડાં, કારકિર્દી કે ઘરેણાથી વિશેષ તેના હદયની પવિત્રતામાં રહેલું છે. સ્ત્રી એ પરમાત્મા ની શ્રેષ્ઠ કૃતિ છે. સ્ત્રીનું ભૂષણ તેનો શણગાર નથી પણ સંસ્કાર છે અને આ વાતનું જતન સતત થાય એવી મારી સૌ પરિવાર અને દરેક નારી મંડળને અપીલ છે.
સર્જનાત્મક શકિતથી છલોછલ નારીશકિતને ગૌરવ આપવાનું શુભ કાર્ય વાગડ સંસ્કારે નારી વિશેષાંક પ્રકાશિત કરી કર્યું છે તેમને હું ખૂબ ખૂબ રાજીપા સાથે આવકારું છું અને તંત્રીશ્રી પ્રકાશભાઈ મહેતા તેમજ તેમની ટીમને અભિનંદન આપું છું.
જગતની તમામ નારીશકિત પ્રત્યે અહોભાવ સાથે સૌનું કલ્યાણ ઇચ્છું છું.
કિર્તીભાઈ કેશવલાલ સંઘવી
પ્રમુખશ્રી